Friday 7 March 2008

"મૈત્રી"



મૈત્રીએ મનની ભાષા છે, અંતરનો સંબંધ છે. પ્રેમ અને લાગણીની પરિભાષા એવી મૈત્રીને વાંચવા માટે શબ્દકોશની જરુર નથી, અનુભવવાની વાત છે. મૈત્રી થવા જેવો કોઇ સુખદ પ્રસંગ નથી તેમ મિત્રતાના મૃત્યુ જેવી દુઃખદ ઘટના બીજી કોઇ નથી.



કોઇ લેખકે સાચુંજ કહ્યું છે કે



"મિત્રતા જ્યારે ઝાકળની જેમ ખીલે ત્યારે તેની ભિનાશ કદાચ ન પણ સ્પર્શે પણ ફટકિયા મોતીની જેમ તુટી જાય ત્યારે તેની કરચો વાગ્યા વગર નથી રહેતી."



ચંદ્રકાંત બક્ષીએ મર્મવેદી વિધાન કર્યુ છે કે,




"અજાતશત્રુ બનવા માટે અજાતમિત્ર થવુ પડે."




જીવન રણ છે ને મિત્રતા રણદ્વિપ છે. જીવન રણની જેમ સતત વિસ્તરતું રહે છે જ્યારે આવા બળબળતા રણમાં મિત્રતા રણદ્વિપની ભિની-ભિની જીજીવિષા સમાન છે. મિત્રતા એ સંબંધ નથી પણ માનવીનો સ્વભાવ છે, મિત્રતા શરતોથી પર છે, જે શરતો પર આધિન છે તે મિત્રતા નથી. સાચી મિત્રતા પ્રેમ, પારદર્શકતા, પવિત્રતા, પ્રવાહિતા ને પ્રાર્થનાનાં પંચમહાભૂતમાંથી બનેલી છે. જેમ સિંહણનું દૂધ સોનાનાં પાત્રમાં જ ઝિલાય તેમ પારદર્શક, સ્ફટિક જેવું નિર્મળ વ્યક્તિત્વ જ ચોવીસ કેરેટ શુદ્ધ કંચન સમી મૈત્રી પામી શકે. સાચા મિત્રની સમક્ષ આપણે સંવેદનાઓને લાગણીની આંટીઘુંટીઓનું Catharsis (રેચન) કરીને હળવાં થઇ શકીએ છીએ, નકલી નિખાલસતા ને અસલી Diplomasy ની આ દૂનિયામાં મિત્રતા ને મુત્સદીગીરી વચ્ચે ખૂબજ પાતળી ભેદરેખા હોય છે.